Skip to main content

ગુરુ પૂર્ણિમા ૨૦૦૨

धरती सब कागद करों, लेखनि सब बनराइ ।
सात समंदर मसि करो, गुरु गुन लिखा न जाई ।।

સમગ્ર ધરતીનો કાગળ બનાવીને બધા વૃક્ષોની કલમ બનાવી સાત સમુદ્ર રૂપી શાહીથી ગુરુ ગુણ લખવામાં આવે તો પણ અધુરુ જ રહે છતાં स्वातः सुखाय ગુરુ મહિમા માણીએ..

ગુરુ પૂર્ણિમાને ઘણા "વ્યાસ પૂર્ણિમા" પણ કહે છે કારણ કે व्यासोच्छिष्टं जगत्त्रयं . ભગવાન વ્યાસનું બોલેલું સૌ રજુ કરે છે. પૃથ્વીની ધરીની વચ્ચે જે રેખા ખેંચવામાં આવે છે તેને પણ વ્યાસ કહેવાય છે. જે મહાપુરુષની સામર્થ્ય શક્તિ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત હોય તેની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે તે ‘ગુરુ’ કહેવાય છે. ગુરુ અનેક હોઈ શકે પણ સદગુરુ માત્ર એક જ હોય છે. સદગુરુ દત્ત ભગવાન એ ગુરુઓના ગુરુ છે તેથી તેમના પૂજનમાં વિશ્વના તમામ ગુરુદેવ, ઇષ્ટદેવ, ઈષ્ટદેવીનું પૂજન થઈ જાય છે. શાસ્ત્રોમાં ગુરુના લક્ષણોમાં બ્રહ્મનિષ્ઠ (આત્મ સાક્ષાત્કારી) અને શ્રોત્રિય (શાસ્ત્રોના જ્ઞાતા) મુખ્ય બતાવેલ છે. જે નિરભિમાની, સરળ, નિર્મળ, કરુણામય, યોગવિદ્ હોય ઉપરાંત તત્ત્વો, ગુણો, પ્રકૃતિની વચ્ચે સ્થૂળ શરીરે રહેતા હોવા છતાં આત્મજ્ઞાન સભર, કર્મયોગમાં લિપાયમાન ન થઇ માત્ર સાક્ષીભાવ અને દ્રષ્ટાભાવમાં રહેતા હોય એવા અસંગ, અલિપ્ત જીવનમુક્ત મહાપુરુષ ગુરુ પદને સુશોભિત કરી શકે છે. ગુરુ માનતા પહેલાં વિચારો કરવા પણ ગુરુ માન્યા પછી ક્યારેય શંકા-કુશંકા ન રાખવી. ગુરુદેવ તો પારસમણિથી પણ શ્રેષ્ઠ છે કારણ કે પારસમણિ લોખંડને સુવર્ણ બનાવે છે પણ પારસમણિ બનાવતું નથી જ્યારે ગુરુજી તો પોતાના સત્ શિષ્યને પોતાનું સ્વરૂપ જ આપી દે છે. જ્યાં સુઘી શિષ્યને મુક્તિ મળતી નથી ત્યાં સુધી ગુરુ પણ મુક્ત થઇ શકતા નથી તે શાસ્ત્ર વચન હોવાથી સમર્થ મહાપુરુષ ખુબ જ કસોટી કરી શિષ્ય તરીકે સ્વીકાર કરે છે . પોતાની આવક વધારવા માટે ટોળાબંધ શિષ્યોને કંઠી બાંધતા નથી. ગુરુદેવના સ્થૂળ શરીરમાંથી દિવ્ય શક્તિ પ્રવાહિત થતી હોય છે. ગુરુ મહારાજ ધારે તો ૩૬૪ દિવસ તે દિવ્ય પ્રવાહને રોકી શકે છે પણ ગુરુ પૂનમના પર્વે તેઓ એ રોકી શકતા નથી. તેથી તે દિવસે શિષ્યો ગુરુજીના સ્થૂળ શરીરનું પૂજન કરવા અને તે દિવ્ય પ્રવાહનો લાભ લેવા દૂર-સુદૂરથી ગુરુ પાસે આવે છે પણ આજકાલ વેપારી ગુરુઓએ એ પુનિત પર્વને ધંધાકીય સ્વરૂપ આપી દીધું છે.

શ્રીરામચરિતમાનસમાં છે કે : -
गुरु बिनु भवनिधि तरह न कोई।
जों बिरंचि संकर सम होई॥

અર્થાત્ બ્રહ્માજી અને શંકર સમાન પણ ગુરુ વગર ભવપાર થઈ શકતા નથી, ગુરુનો આવો અદ્ભુત મહિમા છે, માટે ગુરુ પ્રકાર અને ગુરુ તત્ત્વ વિશે જાણવું અસ્થાને ન ગણાય. સાંસારિક ગુરુમાં શિક્ષક વગેરે આવે છે જ્યારે પારમાર્થિક ગુરુના પેટા પ્રકારની લાં...બી ચર્ચા ન કરતાં તેના મુખ્ય ચાર પ્રકાર સ્વીકારાયા છે તે જોઈએ. (૧) વિશ્વ ગુરુ (૨) ભવ ગુરુ (૩) બ્રહ્મ ગુરુ અને (૪) સદગુરુ . યોગ વિજ્ઞાન અનુસાર મૂલાધારમાં રહેલી સુષુપ્ત શક્તિ સમર્થ મહાપુરુષની ગુરુકૃપાથી જાગ્રત થઈ સહસ્ત્રારમાં રહેલ સદગુરુમાં સમાય ત્યારે પરમ પદની પ્રાપ્તિ થાય છે . શરીરમાં ગુદા સ્થાને મૂલાધાર ચક્ર, પેઢુ સ્થાને સ્વાધિષ્ઠાન ચક્ર, નાભિ સ્થાને મણિપૂર ચક્ર, હૃદય સ્થાને અનાહત ચક્ર, કંઠ સ્થાને વિશુધ્ધિ ચક્ર, ભૂમધ્ય સ્થાને આજ્ઞાચક્ર અને મસ્તિષ્ક કે બ્રહ્મરંધ્ર સ્થાને સહસ્ત્રાર આવેલ છે. વિશ્વગુરુ મણિપૂર ચક્ર, ભવગુરુ વિશુધ્ધિ ચક્ર અને બ્રહ્મગુરુ આજ્ઞાચક્ર સુધી કુંડલિનીને લાવી શકે છે. આજ્ઞાચક્રથી આગળની યાત્રા કરવા માટે સદગુરુનું શરણ સ્વીકારવું જ પડે છે તેથી શરૂઆતથી સદગુરુને સેવો. ગુરુ દત્તાત્રેય એ બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું સ્વરૂપ છે, નિરંજન નિરાકાર છે. જ્યારે કશું જ ન હતું અને જ્યારે કશું જ નહિ રહે ત્યારે જે હોય તે સદગુરુ દત્ત છે. ગુરુ એ બ્રહ્મની પરંપરા છે અને સદગુરુમાંથી પ્રવાહિત થઈ છે. ગુરુ એ નિરાકાર અને ચૈતન્યમય છે. આકાશની જેમ અખંડ વ્યાપક છે. અનેક સાધકોએ ગુરુની વ્યાપકતાનો અનુભવ કર્યો છે. સ્મરણ કરતાં જ સદગુરુ સૂક્ષ્મ રૂપે આશીર્વાદ આપે છે. ગુરુનું સ્થૂળ શરીર માયિક છે તેથી માત્ર સ્થૂળ શરીરને ગુરુ માનવા તે ભ્રમ છે. ગુરુના સ્થૂળ શરીરના વિસર્જન પછી પણ ગુરુદેવ સૂક્ષ્મ કે ચિન્મય સ્વરૂપે શિષ્યને માર્ગદર્શન આપે છે અથવા સ્થૂળ શરીરધારી મહાપુરુષની પાસે મોકલે છે. જરૂર જણાય ત્યારે સ્વયં સૂક્ષ્મ શરીરથી સ્વપ્નાવસ્થા કે ધ્યાનાવસ્થામાં શિષ્યને માર્ગદર્શન આપે છે. આ ઉપરાંત ગુરુ તત્ત્વનું રહસ્ય પણ ગૂઢાતિગૂઢ છે.

સંતોમાં સત્સંગ થઈ રહ્યો હતો કે - ગુરુ અને ગુરુ તત્ત્વ શું છે ? એક સંત કહે કે, “ગુરુ તત્ત્વ બધાથી ભિન્ન છે તેથી તેને ‘પર તત્ત્વ' કહી શકાય. તત્ત્વ શબ્દનો અર્થ એક પ્રકારે પૂર્ણાહૂતિ જ છે કારણ કે ત્યાં વસ્તુનું અસ્તિત્વ રહેતું જ નથી, તેનો અંત આવી જાય છે, જેમ કે દૂધનો સાર માખણ છે પણ માખણ એ તત્ત્વ નથી. માખણથી માનવ શરીરનું પોષણ જરૂર થાય છે. માખણનું રક્ત, વીર્ય, રજમાં પરિવર્તન થાય છે. વીર્ય અને રજથી સ્થૂળ શરીર બને છે તેથી તે પણ તત્ત્વ નથી. સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરમાં કારણ શરીર અને કારણ શરીરમાં મહાકારણ શરીર છે. તેથી આ ત્રણ શરીર પણ તત્ત્વ નથી. મહાકારણ શરીર (લિગ શરીર) માં પરમ કારણ શરીર (ચિન્મય શરીર) હોય છે તે પણ ગુરુ તત્ત્વ નથી કારણ કે લિંગ શરીરમાં આણવમળ હોય છે અને મળરહિત ચિન્મય શરીર એ સદગુરુની ઈચ્છા શક્તિનું વિકારરહિત ધનીભૂત આકાર છે. તેનું પણ વિસર્જન થતાં તે પ્રકાશ પુંજમાં બદલાય છે. આ પ્રકાશ પુંજ પણ ગુરુતત્ત્વ નથી કારણ કે તેનું પણ વિસર્જન થતાં અદ્રશ્ય રૂપમાં સર્વ વ્યાપક સદગુરુ છે. નિરંજન નિરાકાર અલખ સ્વરૂપમાં રહેલા અદ્રશ્ય સદગુરુ પ્રકાશ રૂપ પછી ચિન્મય સ્વરૂપે જગતનું કલ્યાણ કરે છે." ઉપસ્થિત સંત સમુદાય આ પ્રમાણે પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા, ત્યાં એક સંત બોલ્યા કે, “ગુરુ તત્વનો ઉત્તર કયારેય કોઈને મળ્યો નથી અને જે શોધવા ગયા તે તેનામય થઈ ગયા જેમકે સાકરનો ટુકડો સાગરનું તળીયું શોધવા જાય તો તે પાણીમાં ઓગળી જળમય થઈ જાય છે તેથી બધા સંતો સ્મરણ કરી ધ્યાનમાં બેસે તો અનુભૂતિ થશે." બધા એકાગ્ર ચિત્તે ધ્યાનમગ્ન બની ગયા. થોડીવારમાં આકાશમાં એક પ્રકાશ પુંજ દેખાયો તેનો પ્રકાશ સાધારણ પ્રકાશ ન હતો પણ કરોડો સૂર્ય સમાન તેનું તેજ હતું છતાં તેમાંથી શીતલતા-આહ્લાદકતા-શાંતિ અને આનંદ સ્ત્રવતા હતા. એકાએક તે પ્રકાશ પુંજ ત્રિમૂર્તિ સ્વરૂપ સદગુરુ ભગવાન દત્તાત્રેયના સ્વરૂપમાં બદલાઈ ગયો. ત્યાર બાદ ભવ્ય પ્રકાશિત દિગંબર સ્વરૂપે એક મૂર્તિ દેખાઈ. તેમની જટાઓમાંથી પ્રકાશના કિરણો નીતરી રહ્યાં હતાં. સૌ અવાક્ થઈને વિચારવા લાગ્યા કે આ પ્રકાશ પુંજ રસ, અમૃત કે જ્ઞાનગંગા....તે વખતે જોયું કે જ્ઞાનગંગા ભગવાન દત્તની જટાઓમાંથી મંદ મંદ ગતિથી નીચે ઉતરવા લાગી તેમાં કરોડો સૂર્ય સમાન તેજ હતું છતાં શીતલતા-આહલાદકતા અને પરમ શાંતિ પણ હતાં. સિધ્ધો તે જ્ઞાનગંગા રૂપ અમૃતનું ખોબે-ખોબે પાન કરવા લાગ્યા તે વખતે તેઓને એવું પ્રતીત થયું કે - આ પ્રકાશ પુંજ નાદબ્રહ્મમાં રૂપાંતરિત થઈ તેઓના રોમે-રોમમાં વ્યાપ્ત થઈ ગયો અને અંદર-બહાર સર્વત્ર “હરિ ૐ તત્સત્ જ્ય ગુરુદત્ત” મહામંત્રની ધૂન ગુંજવા લાગી છેવટે તેઓ અલૌકિક શાંતિનો અનુભવ કરવા લાગ્યા એટલે કે નાદબ્રહ્મ એ શાંતિ બ્રહ્મમાં પરિવર્તિત થઈ ગયો.

મહામંત્ર ઉપાસકો ! ગુપ્ત મહામંત્ર “હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત” માં લબાલબ ગુરુ તત્ત્વ ભરેલું છે. આપ આપના ગુરુ મંત્ર, ઈષ્ટ મંત્ર સાથે આ સિધ્ધ મંત્રને જોડો. અવશ્ય પ્રગતિ કરી શકશો. તમે કોઈને ગુરુ માન્યા ન હોય તો સોમવારે કે ગુરુવારે પ્રાતઃકાલે સફેદ કપડાં પર ભગવાન દત્તનો ફોટો પધરાવી, તેને કંકુ, ફૂલ, ચોખા ચઢાવી દીવો, અગરબત્તી કરી, શ્રીફ્ળ કે ઉપલબ્ધ સારાં ફળ ધરાવી મનોમન સદગુરુ દત્તને ગુરુ પદે સ્થાપી દો. જ્યાં સુધી ગુરુ હયાત હોય ત્યાં સુધી શિષ્ય કોઈનો ગુરુ બની શકતો નથી. સદગુરુ દત્ત પ્રભુ મહા પ્રલય સુઘી રહેશે તેથી હંમેશા દત્ત ભગવાનને જ ગુરુ માનો. ગુરુ દક્ષિણામાં પોતાનામાં રહેલા ષડ્વિકારોને, કુટેવોને ગુરુ ચરણે છોડવી જોઈએ. શિષ્ય જ્યાં-જ્યાં સદગુરુનું સ્મરણ કરે ત્યાં-ત્યાં તેમની હાજરીની પ્રતીતી થાય છે. સૌને HAPPY GURU PURNIMA .


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



"સદગુરુના આદેશમાં હિત-અહિતનો વિચાર ન કરવો કારણ કે તેમાં અહિતને સ્થાન નથી."

~(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ)



"દિવાળી પ્રસંગે વેપારી આખા વર્ષનો જમા-ઉધારનો હિસાબ કરે છે અને આવતા વર્ષે વધુ નફાનું આયોજન કરે છે તે રીતે સત્ શિષ્યે ગુરુ પૂનમ પ્રસંગે સરવૈયું માંડી જલ્દી લક્ષ્યપ્રાપ્તિ થાય તે માટે અથાક પ્રયત્ન કરવા જોઈએ."

~(૫.પૂ. સિદ્ધયોગીની મૈયાશ્રી શૈલજાદેવી)




Guru Poonam 2002 Guru Tatva Sadguru MahaMantra Dattatrey Punitachariji Maiyashree ShailajaDevi Dharma Sampraday Spontaneous Meditation